ભગવાન કૃષ્ણ અને આજનો યુવાન

જય શ્રીકૃષ્ણ. આજનાં યુવાનને શ્રીકૃષ્ણ તો બનવું છે, એમની જેમ પૂજાવું છે, બધી જ જગ્યાએ માન-સમ્માન મેળવવું છે પરંતુ ભગવાનનાં ગુણોને આત્મસાત કરીને, એમના જેવું આચરણ નથી બનાવવું. આં આજનાં યુવાનોની કરુણા છે.
ભગવાન કૃષ્ણ જેવું આદર્શ જીવન બનાવવા માટે આપણે પણ એમની નિત્ય-ક્રિયાઓનું અનુસરણ કરવું પડશે. ભગવાન જે કાર્યો કરતા, જે યમ-નિયમનું પાલન કરતા એ આપણે કરવું પડશે. શ્રીમદ ભાગવતમાં શુકદેવજીએ ભગવાનનાં નિત્યકર્મોનું વર્ણન કર્યું છે. આવો એમનું પઠન કરીને એ કાર્યોનું અનુસરણ કરીને આપણા જીવનને, આપણી યુવાનીને શ્રેષ્ઠ અને આદર્શરુપ બનાવીયે.
ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્મમુહર્તમાં જાગી, સ્નાન કરીને પોતાના ઈષ્ટનું ધ્યાન કરતા. (જયારે આપણે અત્યારે 8 વાગ્યે જાગીને સીધુ મોબાઈલ પર ધ્યાન લગાવીએ છીએ અને ત્યાંથી મન બગડવાની શરુઆત થાય છે)
ત્યારબાદ ભગવાન યજ્ઞ કરીને વાતાવરણને શુદ્ધ બનાવતા. (જ્યારે આજનાં અમુક યુવાનો જાગીને સીધા સિગારેટનો ધુંવાડો કરીને વાતાવરણની સાથે પોતાના દેહને પણ અશુદ્ધ બનાવે છે. વિવિધ પ્રકારનાં રોગોને આમન્ત્રણ આપે છે)
યજ્ઞ કર્યાબાદ ભગવાન મૌન રહીને ગાયત્રીમંત્રનો જાપ કરતા. ( જયારે આજના અમુક યુવાન મંત્રજાપ કરવાની વાત તો દૂર રહી પરંતુ ન-બોલવાના શબ્દો બોલીને પોતાની વાણીને, માતા-પિતાનાં સંસ્કારોને લાંચન લગાવી રહ્યા છે)
ત્યારબાદ સૂર્યોદય થતા જ ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરતા.( સૂર્યનારાયણને નમસ્કાર કરવાની વાત તો દૂર રહી, આજના યુવાને સૂર્યને સરખી રીતે ઉદય થતા જ નથી જોયો)
સૂર્યને નમસ્કાર કર્યાબાદ ભગવાને પોતાના માતા-પિતા, ઋષિ-મુનિ, સાધુ-બ્રાહ્મણને પ્રણામ કરતા. (જ્યારે આજનો યુવાન માતા-પિતાને પ્રણામ કરવાની વાત તો દૂર રહી, એમની સાથે પ્રેમથી વર્તન નથી કરતો, સાધુ-સંતો-બ્રાહ્મણોની ટીકા કરે છે. એમની મશ્કરી કરે છે)
ત્યારબાદ ભગવાન સદ્દ-શાસ્ત્રોનો અભ્યાસ કરતા. (આજના યુવાન પાસે ન વાંચવાનું વાંચવાનો સમય છે પરંતુ આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો બિલકુલ સમય નથી, માટે જ એ દુઃખી છે, વાત-વાતમાં હતાશ થઈ જાય છે, હિમ્મત હારી જાય છે, સફળતા મળતી નથી અને આખરે નિરાશ થઈને જીવનમાં ન કરવાના કાર્ય કરી બેસે છે)
શાસ્ત્રોનો અભ્યાસ કર્યાબાદ ભગવાન દિવસ દરમ્યાન પોતાના સઘળા કાર્યો પુરી નિષ્ઠાથી કરતા. (આજનો યુવાન કાર્ય તો કરે છે પણ પોતાના કાર્યમાં પુરેપુરો સમર્પિત નથી. જેથી એમને જેવું પરિણામ મળવું જોઈએ એવું પરિણામ મળતું નથી અને આખરે પોતાની ભૂલનો દોષ બીજાને આપે છે.
તો આટલો ફર્ક છે, આપણી અને ભગવાનની દિનચર્યામાં. જયારે આજનો યુવાન ભગવાનનાં આં દૈનિક કાર્યોનું પુરેપુરી નિષ્ઠાથી અનુકરણ કરશે એટલે એ પણ મનસ્વી, તેજસ્વી અને યશસ્વી બનશે. જીવનનાં કોઈ શ્રેત્રમાં એમણે નિષ્ફ્ળતા નય મળે.