ભગવાનની આરતી કેવી રીતે કરવી | Bhagvan Ni Arti Kevi Rite Karvi

ભગવાનની આરતી કરવાની સાચી રીત વિશે જાણો.

જય સીયારામ

આમ તો હરેક હિન્દૂનાં ઘરે સવાર-સાંજ નિયમિત રીતે આરતી થતી હોય છે. બધા પોત-પોતાની શ્રદ્ધા અનુસાર પોતાના ઈષ્ટદેવ તેમજ કુળદેવીની આરતી કરતા હોય છે. તેમ છતાં ઘણા લોકોનાં મનમાં આં પ્રશ્ન વારંવાર થતો હોય છે કે, ભગવાનની આરતી કઈ રીતે કરવી? હુઁ કઈરીતે મારાં પ્રભુની આરતી ઉતારું જેથી કરીને એ મારાં પર પ્રસન્ન થાય? આવા અનેક પ્રશ્નો મનમાં થતા હોય છે અને આવા પ્રશ્નો થવા એ વ્યાજબી પણ છે કારણકે બધાની એવી ઈચ્છા હોય છે કે, મારાં પ્રભુ મારી આરતીથી પ્રસન્ન થાય અને એમની કૃપાદ્રષ્ટિ હંમેશા અમારા પર બની રહે. તો આવો આરતી કરવાની યોગ્ય રીત વિશે વાંચીયે. આમ તો આપણા શાસ્ત્રોમાં આરતી કરવાની રીત બતાવી છે કે, સહેજ નમન કરીને આરતી કરવી જોઈએ. આરતી કરતી વખતે થાળી અથવા દીવો ભગવાનના ચરણોમાં 4 વાર, નાભિ પાસે 2 વાર, મુખ પાસે 1 વાર અને અન્ય તમામ ભાગોમાં 7 વાર ખસેડવો જોઈએ. જો તમે આ રીતે આરતી કરો છો, તો તમારું પ્રણામ ભગવાનની ચૌદ ભુજાઓ સુધી પહોંચે છે, જેથી તેઓ પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.


આં સિવાય તુલસીદાસજીએ વિનય પત્રિકાનાં એક પદમાં વર્ણવ્યું છે કે, ભગવાનની આરતી કઈ રીતે કરવી? તુલસીદાસજી વિનય પત્રિકામાં વર્ણન કરતા લખે છે કે, “હે મન! તું પ્રભુની આરતી આવી રીતે કર. સૌ-પ્રથમ તો જડ-ચેતન જગત સઘળું પ્રભુનું જ રુપ છે, તેઓ સર્વ-વ્યાપક અને નિત્ય છે; એવી ભાવનારુપી સુગંધનો ધૂપ કર. આવું કરવાથી તારી બુદ્ધિ શુદ્ધ થઈ જશે.


ધૂપ પછી પ્રભુની સમક્ષ દીપ પ્રગટાવીને દીપ દર્શન કર. દીપ દર્શન કરવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદરુપી વિકારોનું શમન થશે અને તારી ચિત્તવૃત્તિઓ આપમેળે જ નિર્મળ બનશે.


દીપ દર્શન કર્યાબાદ યથાશક્તિ પ્રભુને નૈવેદ્ય (ભોગ) અર્પણ કરજે. ભાવથી નૈવેદ્ય અર્પણ કરવાથી પ્રભુને પરમ સંતોષ થાય છે.


નૈવેદ્ય અર્પણ કર્યાબાદ દુઃખ, સંદેહો અને સંસારની વાસનાઓનાં બીજનો નાશ કરનારા ‘પ્રેમ’નું તાંબુલ ભગવાનને અર્પણ કરજે.


તાંબુલ અર્પણ કર્યાબાદ શુભ-અશુભ કર્મરુપી ઘી માં ડૂબેલી દસ ઇન્દ્રિયોરુપી વૃત્તિઓને ત્યાગનાં અગ્નિમાં બાળીને સત્ત્વગુણરુપી પ્રકાશ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરજે.


ત્યારબાદ હ્દયરુપી મંદિરમાં શાંતિરુપી સુંદર પલંગ બિછાવીને તેના પર પ્રભુને પોઢાળીને વિશ્રામ કરાવજે. હ્દયમાં વિશ્રામ કરતા પ્રભુની સેવા માટે ક્ષમા, કરુણા જેવી શ્રેષ્ઠ દાસીઓ નિયુક્ત કરજે. (કારણકે જેમના હ્દયમાં પ્રભુ નિવાસ કરે છે, એમને માયા હેરાન કરતી નથી)


ત્યારબાદ આગળ તુલસીદાસજી કહે છે કે, સનકાદિક, વેદ, શુકદેવજી, શેષ, શિવજી, નારદજી અને સઘળા ઋષિ-મુનિઓ આવી આરતીમાં હંમેશા પરોવાયેલા રહે છે, માટે હે જીવ! તું પણ કામાદિ વિકારોથી મુક્ત થઈને પ્રભુની આવીરીતે આરતી કરજે. તારું કલ્યાણ થશે, પ્રભુ કૃપાથી વિના કોઈ યત્ને જ આં ભવસાગરને પાર થઈ જઈશ.

Scroll to Top