“તુલસી અને સનાતન ધર્મ”

આપણા સનાતન ધર્મમાં તુલસીનાં છોડને એક દિવ્ય ઔષધિય છોડ તરીકે પૂજવામાં આવે છે. હરેક સનાતનીનાં આંગણામાં તુલસીનાં અવશ્ય દર્શન થાય છે. આયુર્વેદનાં ગ્રંથોમાં તુલસીનાં ખુબ ગુણગાન ગવાયા છે. તુલસીનાં પાન ઉકાળીને પીવાથી સામાન્ય તાવ, ઉધરસ તેમજ મલેરિયામાં તરત જ રાહત મળે છે. આં તુલસીનાં પાનનો પ્રભાવ છે. આં સિવાય તુલસીનાં પાનમાં સંક્રામક રોગોને અટકાવવાની અદ્ભૂત શક્તિ રહેલી છે. પ્રસાદ, પંચામૃત તેમજ ચરણામૃતમાં તુલસીનું પાન મુકવાથી એ પ્રસાદ કે જળ લાંબા સમય સુધી ખરાબ કે વિકૃત થતું નથી. તુલસીનાં માંજરમાં એક વિશેષ ખુશ્બુ હોય છે, જેના પ્રભાવથી વિષઘર સાપ તુલસીનાં છોડને નજીક નથી આવતા. આં સિવાય તુલસીમાં ઓક્સિજનની માત્રા અધિક હોવાથી રોગ નાશ કરવાની અદ્ભૂત શક્તિ ધરાવે છે. તુલસીનાં પાન રક્તવિકારનો નાશ તથા પાચનક્રિયા શુદ્ધ કરે છે.
મહર્ષિ સુશ્રુતે પણ તુલસીને રોગનાશક, તેજવર્ધક, વાત-કફ શોધક, છાતીનાં રોગમાં લાભદાયક તથા આતરડાની ક્રિયાને શુદ્ધ તેમજ સ્વસ્થ કરનારી બતાવી છે. તુલસીનું વન ક્ષયનાં રોગી માટે એક પ્રકારનું સેનોટોરીયમ જ છે. તુલસીમાંથી સતત નીકળતી સુગંધ વાયુમાં ભળીને અનેક કીટાણુંનો નાશ કરીને આપણા ફેફડાને સ્વસ્થ બનાવે છે. આં સિવાય તુલસીનાં છોડની આજુબાજુમાં મચ્છર પણ થતા નથી.
તુલસીનાં પાનની ચા બનાવીને પીવાથી પણ અનેક લાભ થાય છે. મલેરિયામાં તુલસીનો કાઢો એક અમોઘ ઔષધિ છે. આપણી ત્યાં તો જયારે કોઈ વ્યક્તિની મૃત્યુ નજીક હોય છે ત્યારે એમના મુખમાં તુલસી અને ગંગાજળ મુકવામાં આવે છે કારણકે આં બન્નેને “સર્વ વ્યાધિ વિનાશકમ્” કહેવામાં આવ્યા છે. તુલસીનાં પાનની જેમ જ એમનું લાકડું, નીચેની માટ્ટી પણ એટલી જ પ્રવિત્ર હોય છે કારણકે એમાં વિદ્યુતગુણ સમાવિષ્ટ હોય છે. તુલસીની માળા ધારણ કરવાથી એક અલૌકિક શક્તિ શરીરમાં પ્રવેશ કરે છે, જે આપણા જીવનને સાત્વિક બનાવી દે છે. તુલસીની માળા ધારણ કરીને સ્નાન કરનાર વ્યક્તિનો રક્તવિકાર દૂર થાય છે.
તુલસીનું આધ્યાત્મિક મહત્ત્વ પણ ઘણું છે. આંગણામાં તુલસીનો છોડ હોવો, એ સજ્જનનાં ઘરની એક નિશાની બતાવી છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, એ ઘર તીર્થ સમાન પવિત્ર હોય છે. તુલસીનાં છોડની આજુબાજુની ભૂમિ પણ ગંગાજળ સમાન પવિત્ર હોય છે.
શ્રીરામકથાકાર – પુનિતબાપૂ હરિયાણી