તિલક, સનાતન ધર્મ અને વિજ્ઞાન
જય સીયારામ, આપણા વ્હાલા સનાતન ધર્મમાં તિલકનું મહત્ત્વ શું છે? તિલક કરવા પાછળનું વિજ્ઞાન શું છે? દરરોજ તિલક કરવાથી શું લાભ થાય? આપણને ઋષિ-મુનિઓએ તિલક કરવાની આજ્ઞા શું કામ કરી છે? આં બધા જ પ્રશ્નોનાં ઉત્તર વિજ્ઞાનીક કારણો સાથે વાંચો અને આપણા સનાતન ધર્મ પર ગર્વ કરો.
તિલક કરવા પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. તિલકમાં પણ ખાસ ચંદનનું તિલક કરવાના તો અનેક અને અનેરા લાભ છે. સૌ-પ્રથમ તો ચંદનનું તિલક કરવાથી આપણું મન શાંત થાય છે. ચંદનનું તિલક કરવાથી લલાટનું તેજ, ઓજ તથા કાંતિમાં વધારો થાય છે. તિલક કરવાથી વ્યક્તિનો ચેહરો સુંદર દેખાય છે. તિલક કરનારી વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ તરી આવે છે. આં સિવાય તિલક કરવા પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે જેમકે આપણા મસ્તકમાં ‘આજ્ઞા’ નામનું એક ચક્ર છે, આં સ્થાન ઉપર તિલક કરવાથી એ ચક્ર જલ્દીથી જાગૃત થઈ જાય છે, જે સાધકની સાધનામાં બોવ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આવી જ રીતે કંઠ પર તિલક કરવાથી ‘વિશુદ્ધ’ ચક્ર, હ્દય પર તિલક કરવાથી ‘અનાહત’ ચક્ર અને નાભિ પર તિલક કરવાથી ‘મણિપૂર’ વગેરે ચક્રો જાગૃત થાય છે; જેનો સીધો સાત્વિક ફાયદો તિલક કરનારને મળતો હોય છે.
આં સિવાય ચંદનનું તિલક કરવાથી સંક્રામક રોગો માંથી પણ મુક્તિ મળે છે અને મનુષ્યની સ્વાસ્થ્ય સારુ રહે છે. ચંદનની સુગંધથી દુષિત કીટાણુ દૂર રહે છે અને આં સુગઁધનો પ્રભાવ અન્ય વ્યક્તિઓ ઉપર પણ પડે છે. શરીરનાં વિવિધ અવયવો પર તિલક કરવાથી શરીરમાંથી આવતી દુર્ગંધમાંથી છુટકારો મળે છે. શરીર સુગંધિત બને છે. આધ્યાત્મિક જગત એવું કહે છે કે, તિલક કરવાથી સાધકનાં મનમાં, એમના હ્દયમાં સાત્વિક ભાવ જાગે છે; જે એમને પ્રભુભક્તિ કરવા તરફ દોરી જાય છે.
આપણી ત્યાં એક મત એવો પણ પ્રચલિત છે કે, ભ્રુકુટી અને લલાટની વચ્ચે જ્ઞાનતંતુઓનું વિચારકેન્દ્ર છે. જયારે પણ આપણે મસ્તિકને વધારે કાર્યરત રાખીયે છીએ ત્યારે ત્યાં વેદનાની અનુભૂતિ થાય છે. મસ્તિકનાં આં કેન્દ્ર બિંદુ પર ચંદનનું તિલક કરવાથી જ્ઞાનતંતુઓ સંયમિત અને સક્રિય રહે છે. માટે હરેક સનાતનીએ તિલક અવશ્ય કરવું જ જોઈએ કારણકે તિલક કરવાના આધ્યાત્મિકની સાથો-સાથ વૈજ્ઞાનિક ફાયદા પણ અનેક છે. છેલ્લે માતા-પિતાને ખાસ મારી નમ્ર અપીલ છે કે, આપનાં બાળકને તિલક કરાવીને જ ઘરની બહાર મોકલજો. તિલક અને શિખા આપણી આન-બાન-શાન છે. તિલક કરવાથી આપનું બાળક પણ “બાળક રામ” જેવું સુંદર અને મનોહર લાગશે.
શ્રીરામકથાકાર – પુનિતબાપૂ હરિયાણી